About Founder

Shri Ramjibhai P. Vahora

The founding stone and the pioneer of this institution is Shri Ramjibhai P. Vahora. He belongs to Madana. He took his primary education upto standard-4 in his village. As there was no facility of higher education in his village‚ he studied at Palanpur upto S.S.C. He passed S.S.C. in 1955. At that time the antisocial activities like theft‚ robbery and gundaism were in full swing in Madana. He didn’t want to take higher education as he wanted to free his village from those nuisances. But some of his friends advised Shri Ramjibhai to study ‘Rural Services’ at Gujarat Vidhyapeeth‚ Ahmedabad established by Mahtma Gandhiji and then only sit in Madana if he wanted to serve Madana. As per their advice‚ Ramjibhai studied in Gujarat Vidhyapeeth and got his graduation degree in 1958 and from the same year he started his mission and has been serving for his native Madana since last 49 years.

Nootan Bharti Was Establishment in 1958 by
“Late Shri Ramjibhai P. Vahora”

 

Shri Ramjibhai P. Vahora
16th April 1929 – 24th September 2009
Founder of Nootan Bharati, Madana Gadh

About Shri Ramjibhai P. Vahora

રામજીભાઈ આપણી સાથે નહિ હોય એવો ડર મનમાં સતત રહ્યા કરતો હતો, પણ ખરેખર આજે આપણી વચ્ચે નથી, એ માન્યામાં નથી આવતું. મન સ્વીકારતું નથી.

ખબર નહિ કેમ છેલ્લા એક-બે વર્ષથી મનમાં એમ થયા કરતુ – રામજીભાઈ સાથે આ છેલ્લી મુલાકાત તો નથી ને? આ આખરી નમસ્તે તો નથી ને? આ છેલ્લી વાર તો નથી જોઈ રહ્યો ને એમને ? એક-બે વાર મેં ઘરે આવીને તોમોને પણ વાત કરી.

છેલ્લાં મેં એમને ર૪મી ઓગસ્ટના રોજ આપની સાથે ઘરે આવ્યા હતા. ઈંગ્લેન્ડથી આવેલ પ્રવાસી યુવકને નૂતન ભારતી લઈ જવા. કોઈને ખબર નહોતી, એ દિવસે કે રામજીભાઈ પણ આવે છે. દાદરાં ચઢીને ત્રીજે માળ આવ્યા. મને ખૂબ ક્ષોભ થયો.મને જરીકે ખ્યાલ હોત તો હું નીચે આવ્યો હોત. એમને દાદરા ચઢવાની તકલીફ આપી ન હોત. મને એમ થયુ કે એમને હૃદયની તકલીફ છે. હમણાં થોડા દિવસ પહેલાં હોસ્પિટલમાં હતા. એમને દાદરા ચઢવાની તકલીફ શું કરવા આપી? પણ રામજીભાઈ જો એમ માને કે મને
કાંઈ છે તો તો એ જીવવાનો વિચાર જ મૂકી દે.

કામ …. કામ …… ને બસ કામ ….. વસવસો તો એ વાતનો છે. કે બધુ કરવા છતાં પણ કંઈ ન કરી શક્યા. એમને બચાવી ન શક્યા. મને ખબર છે છેલ્લા ત્રણ મહિના આપ કેવી રીતે દોડયા છો, ઝઝૂમ્યા છો એકલા હાથે કાકાને બચાવી લઉં, નથી આરામ જોયા નહિ સમય ….. નહિ પૈસા ….. કોઈ રીતે ઠીક થતા હોય ડૉક્ટરોને કહ્યું તેમને જે ઠીક લાગે યોગ્ય લાગતુ હોય તે કરો પણ એ સાજા થઈ જાય ઉભા થઈ જાય LIFECARE માં જયારે એમને દાખલ કરવામાં આવ્યા. હું એમને જોવા ગયો. મેં એમને પથારીમાં જોયા. સાચુ કહુ તો એ દિવસે મને કશુ અજુગતું લાગ્યું.

રામજીભાઈ અને પથારીમાં ? જે વ્યક્તિને મેં કયારેય આરામ કરતાં ન હોતા જોયા સતત કામમાં ધ્યાન. સંસ્થા વિષે ચિંતન. મહેમાનોને સાચવવાની ચિંતા. હંમેશાં અહીં તહીં ચાલતા સંસ્થાના છેડેથી બીજે છેડે મડાણાથી પાલનપુર, ગાંધીનગર, અમદાવાદ. ક્યારેય જોયુ નહિ કે આ શરીરનું શું થાય છે? વિચાર્યું નહિ કે શરીર થાકી રહ્યું છે. ત્યારે એમને LIFECARE માં પથારીમાં જોઈ વિચિત્ર લાગ્યુ હતું. એમને પણ થયું હશે પથારીવશ થવાનું હોય, લાચાર થવાનું હોય, દવાઓનો આશરો લેવાનો હોય, ડૉક્ટરોને આધીન થવાનું હોય તો બેહતર છે કે હવે ચાલ્યો જાઉં…….. હવે કાંઈ કરવાની જરૂર નથી?

જેમને પથારીમાં જોઈ મને અજુગતું લાગ્યુ હતું એમને ચિરનિંદ્રામાં જોવા એ મારા માટે અસહ્ય અને અસ્વીકાર્ય હતું. તેમ અંતિમ સંસ્કાર વખતે પંચમહાભૂતમાં એમને વિલિન થતાં હું કાંઈ જ ન કરી શક્યો. ઈશ્વરે મારી પ્રાર્થના પણ ન સાંભળી.

અરે, જેમને માટે રામજીભાઈ જીવ્યા અને મર્યા, જેમના શિક્ષણ માટે, આરોગ્ય માટે પોતાનું સમગ્ર જીવન આપ્યું જેમને નવું જીવન આપ્યું ઘર આપ્યાં. રોજગારીની તક્કો ઉભી કરી. જેમના હક્કો માટે લડ્યા, એમણે પોતાના જીવનની એક-એક મિનિટ ફ્ક્ત રામજીભાઈને આપી હોત તો રામજીભાઈના ખાતામાં બીજા ૨૦-૨૫ વર્ષ જમા થઈ જાત. પણ નહિ, ભગવાન કહે પ્રેમકુમાર ખોટી માગણી છે. એણે તો અનેક જીવનનું કામ એક જીવનમાં ક્યું છે. હવે બીજુ શું માગો છો?.

આજથી વીસ વર્ષ પહેલાં તમારે એમને કામ મુક્ત કરવાની જરૂર હતી. પણ કામથી નિવૃતિ અને રામજીભાઈ ? અશક્ય! કામ વિના એમને ચેન કયાંથી પડે.

કનુ ડૉક્ટર થયો જો અહીં હોસ્પિટલ બનાવીએ તો મડાણા ગામ અને આસપાસના ગામના લોકોને દવા-સારવાર મળે અને કનુભાઈ પાસે જ રહે. એવી શુભેચ્છા. ચાલો, એના માટે મહેનત કરીએ. અને રામજીભાઈના પ્રયત્નો ચાલુ. જયાં સુધી એ ધ્યેય હાંસિલ ન થાય ત્યાં સુધી જંપે નહિ. ગમે તેને મળવુ પડે, લખવુ પડે , ગમે તેટલા આંટા-ફેરા કરવા પડે . હા થાય ના થાય; પણ પ્રયત્ન નહિ મૂકવાનો અને છેવટે હોસ્પિટલ ઊભી કરીને રહ્યા.

આઈ.ટી.આઈ. લાવીએ યુવાનો માટેઃ
વ્યવસાયિક તાલીમ માટે તો એમને રોજગાર મળી શકે. દોડો એના માટે. દાતાને શોધો અને મળી પણ જાય. સંસ્થા ખાતર દાતા જે કહે એ કરવા તૈયાર થાય. પોતાના ખાતર નહિ. સંસ્થા ખાતર કેટલા લોકો એવા હશે કે પોતાનું માન-અપમાન બાજુએ મૂકી લોકહિત ખાતર દાતાઓ, સરકારી કારકુનો, અમલદારોની આજીજી કરવા જાય.

એ રામજીભાઈ જ કરી શકે. હવે બસો આવી, ગાડીઓ આવી, ફોન આવ્યા, રસ્તા થયા, લાઈટ આવી પણ જયારે એમણે સંસ્થા શરૂ કરી ૧૯૫૮માં ત્યારે પાલનપુર ચાલીને જતાં. ખભે સામાન ઉપાડીને આવતાં. શહેર તરફ ગયેલો માણસ ગામ ભાગ્યેજ પરત આવે પણ, આ તો રામજીભાઈ ! અમદાવાદ ગયા ગૂજરાત વિધાપીઠમાં ભણ્યા હવે શું કરૂ? અમદાવાદ રહી જાઉં. સારી નોકરી કરી લઉં ? …….. નહિ……. નહિ. ……. ચાલો, પાછો ત્યાં લોકોના ઉધ્ધાર માટે કંઈક કરીશ.

કર્યું કામ તે કેવુ કર્યું? એક નાનકડું બીજ જે એમણે રોપ્યુ તે આજે વિશાળ વટવૃક્ષ બનીને ઉભુ છે. “નૂતન ભારતી”

શું અપેક્ષા રાખતા હશે મારી તમારી પાસે ; જે વૃક્ષ આટલુ મોટુ કર્યું છે ? મારા લોહી પરસેવાથી ….. એને જાળવજો …… મારો ન થાય તો કંઈ નહિ પણ એને જાળવજો.

ડૉ.કનુભાઈ આ વટવૃક્ષને જાળવજો એના જતનમાં કોઈ રીતે પણ હું સહયોગ આપી શકું ……… આપને મદદરૂપ થઈ શકું તો આપ નિઃસંકોચ મને કહે જો ……… રામજીભાઈએ શરૂ કરેલ યજ્ઞ અવિરત ચાલુ રહેવો જોઈએ.

૧૯૯૨થી હું એમના પરિચયમાં આવ્યો. એ પછી મેં એમની સાથે ઘણો સમય વિતાવ્યો છે. એમની સાથે એમણે વાવેલા લીમડાના ઝાડ નીચે ઘણા કલાકો ગાળ્યા છે. ખૂબ વાતો કરી છે. પણ જયારે જયારે એમની પાસે આવ્યો અને રહ્યો……. એમને મને ખૂબ સારી રીતે નવાજ્યો છે. એમણે મારી ખૂબ સેવા કરી છે. ડગલે અને પગલે મને ઈજ્જત આપતા ……… વધાવતા ……. કોઈ પણ કામ માટે જયારે પણ યાદ કર્યા દોડીને આવ્યા છે.

મારી હાજરીમાં – ગેરહાજરીમાં લોકોને મારૂ ઉદાહરણ આપતા. તોમો વિશે પણ વાત કરતા બાળઉછેરની વાત હોય ત્યારે અમારો દાખલો આપતા.

સાદગીથી જીવનારા લોકો પ્રત્યે એમને માન હતું. સમાજ માટે કંઈક કરનાર લોકોને ખૂબ સન્માકન આપતા. મહેનત કરીને આગળ આવનાર શિક્ષણમાં આગળ નિકળનારને માનથી જોતા. પણ સૌથી વિશેષ માન આડંબરહીન, સાદુજીવનાર, સમાજસેવા કરનારને આપતા.

ઘણીવાર એ એમના બાળપણની સ્કૂલના દિવસોની વિધાપીઠની નૂતન ભારતીના શરૂઆતના દિવસોની વાત કરતા, ત્યારે એમના વ્યક્ત્વિનો આછો ચીતાર મળતો. હજુ ઘણુ હતુ કહેવાનું એમની પાસે. મને થતુ એક દિવસ બેસી બધુ રેકોર્ડ કરી લઉં નહિ તો એમના જીવનની ગાથા વણકહી રહી જશે. આજે એ ગાથા વણકહી રહી ગઈ.

રામજીભાઈનું કામ એટલુ વિશાળ હતું, એટલુ પ્રભાવશાળી હતું કે એમને મળ્યા પછી ભાગ્યે જ કોઈને ખ્યાલ આવતો કે આ માણસનું કદ કેટલુ નાનુ છે. પણ આ નાના કદના માનવીના વિચાર અને કર્મ એટલા ઊંચા અને વિશાળકાય હતા કે લોકો એમના કામને જ જોતા થઈ ગયા હતા.

ડૉ.ક્નુભાઈ, આજે હું સંકલ્પ લેવા માગુ છું રામજીભાઈની કોઈ ઈચ્છા એમણે ધારેલા સમાજકાર્યોને પૂર્ણ કરવાં. એમણે શરૂ કરેલ કામો સૂચારૂ રીતે ચાલે એમ કરવું.

એમની સ્મૃતિ કાયમી રહે ……. એના માટે સ્મૃતિસ્થળનું નિર્માણ કરવું. એક વાર ફરી એ મડાણામાં જન્મેલ મડાણા અને આસપાસના ગામડાઓના ગ્રામજનો માટે જીવન સમર્પિત કરનાર સુખાકારીની સતત ચિંતા સેવ્યા કરનાર મારા શુભચિંતક જીવનના એક સ્તંભ પિતા તુલ્ય એવા રામજીભાઈને મારા કોટી કોટી વંદન.

– પ્રેમકુમારભાઈ

પાલનપુર – ડીસા રોડ પર, ગઢમડાણા નામે ગામ છે. ગઢમડાણાથી એકાદ ક્લોમીટર પર “નૂતન ભારતી” નામની સંસ્થા આવેલી છે. સંસ્થાની સ્થાપના આજથી બાજન વરસ પર, ૧૯૫૮માં ગઢ – મડાણાના જ વતની રામજીભાઈ પસવાભાઈ વહોરાએ કરેલી .

લગભગ આઠ એકર પર પથરાયેલી આ સંસ્થાય નાનકડું ગામ જ છે એમ કહીએ તો ચાલે. બાવન વરસ પહેલા અહીં કાંઈ ન હતું. આજે લગભગ હજારેક વિધાર્થીઓ અને શિક્ષિકોના વસવાટવાળી આ સંસ્થામાં પ્રાથમિકથી માંડી સ્નાતક કક્ષા સુધીના શિક્ષણની સુવિધા છે. પી.ટી.સી. અને બી.આર.એસ. નું મહાવિધાલય છે. આઈ.ટી.આઈ. ની હુન્નર શાળા છે, કમ્પ્યુટર અને સીવણનું શિક્ષણ આપતી ઉધોગશાળા છે. બોતેર એકરની ખેતી છે. વીસેક ગાયોની ગૌશાળા છે. દસેક પથારીની સગવડવાળુ આરોગ્ય કેન્દ્ર છે,નાનકડું પ્રેસ છે, ગ્રામોધોગમાં શુધ્ધ મસાલા ચાળી, ખાડી તૈયાર કરતુ મસાલા કેન્દ્ર છે, એક મોટુ પ્રાર્થના મંદીર છે અને બાજુમાં પુસ્તકાલય પાંગર્યું છે. દેખીતી રીતે જ આ બધુ રાતોરાત નથી થયું. શૂન્યમાંથી તબક્કાવાર સર્જન થતાં આજે સંસ્થા વિકસીને આ મંજિલે પહોંચી છે. આ યાદ કરવાનું કારણ એ કે સંસ્થાના સ્થાપક અને પ્રાણ રામજીભાઈ વહોરાનુ ચોવીસમી સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ અવસાન થયું.

તેમના પિતા સામાન્ય ખેડૂત, ગઢ- મડાણાના વતની. રામજીભાઈ ના બે મોટા ભાઈમાંથી એકનું સર્પદંશથી મૃત્યુ થયેલુ, બીજા નાના ભાઈ પણ ખરા અને એમ ચાર ભાઈઓનું ફૂટુંબ. એ કુટુંબના યુવાનો મુંબઈ અને એનંટવર્પમાં હીરાના વ્યવસાયમાં પડેલા છે. રામજીભાઈ એ પણ ધાર્યું હોત તો હીરાના વ્યવસાયમાં જઈ શક્ત, પણ આ હીરાની ચમક પહેલેથી જ કઈંક જુદી હતી. જીવન જોઈને કહેવું પડે કે સેવાના સંસ્કાર લઈને જન્મેલા. નિર્ભયતાના પાઠ માના પેટમાંથી મળેલા. પ્રાથમિક શિક્ષણ મડાણા ગામની શાળામાં અને માધ્યમિક શિક્ષણ ગઢ અને પાલનપુરની હાઈસ્કુલમાં લીધું. ભણતા હતા ત્યારે ગીતા વાંચવામાં આવીને તેનો સાર પકડી લીધો. કર્મયોગ અને નિષ્કામભાવે સેવાની વાત સંસ્કારે ઝડપી લીધી. મેટ્રીક થઈ વતનના મડાણા ગામની સેવા કરવાની લેહ લાગી. મિત્રોએ સમજાવ્યા કે ગ્રામસેવા કરવી હોય તો ગાંધીની ગૂજરાત વિધાપીઠમાં મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિધાલયમાં સ્નાતક સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી જેથી ગ્રામસેવાનું બૌધ્ધિક અને પ્રાયોગિક ભાથુ બાંધી લેવાય. રામજીભાઈ ૧૯૫૫માં વિધાપીઠમાં મહાવિધાલયમાં દાખલ થઈ ગયા.

તે સમયે મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિધાલયમાં ત્રણ વરસના થઈ સાઠ – સિત્તેર વિધાર્થી ભાઈ – બહેનો છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતાં. મોટા ભાગનાની ઉંમર અઢાર – વીસ આસપાસની, તોય કેટલાક મોટી ઉંમરના,પચીસ – તીસનીય ખરી. રામજીભાઈ છવ્વીસમે વરસે દાખલ. હું અને મારા જેવા અઢારમે વરસે. હું પહેલા વરસમાં હતો ત્યારે રામજીભાઈ બીજા વરસ, મારાથી એક વરસ આગળ. વિધાલય સવારે સાતથી શરૂ થાય તે સાંજે છ વાગ્યે છુટકારો થાય. સવારે ત્રણ ક્લાક ઉધોગ જેમાં ખેતી, કાંતણ, સુથારીનું બૌધ્ધિક ને પ્રાયોગિક શિક્ષણ,બારથી સાડાત્રણ વિવિધ વિષયના વર્ગ, જેમાં ત્રણ વરસે અઢાર વિષયો શિખવાતા. બૌધ્ધિક વર્ગો પૂરા થાય પછી પોણા કલાકનું સમૂહ કાંતણ અને પછી પુસ્તકાલયમાં સ્વાધ્યાય.

એક દિવસ રસોડા પાસેના ખેતરમાં અમે કામ કરતા હતા ત્યાં મોટો છ ફૂટ જેટલો લાંબો – કાળોતરો નાગ નજરે ચડ્યો. ડોગના છોટુભાઈ નાયક અને ઘેલુભાઈ નાગકના સૌથી નાના ભાઈ મનુને ખબર પડતાં જ એ પોતાનુ કામ પડતુ મૂકીને ત્યાં આવી પહોચ્યો. મનુએ તેને પૂંછડી ઉપર એકાદ ફૂટથી પકડ્યો. પૂછડી મનુના હાથે વીંટાઈ ગઈ ! સાપે શરીર ફુલાવી દીધુ હતું. મનુ, ખેંચહું તો ટૂટી જહે, કોઈ ખીલો કે ડીસમિસ જેવુ લઈ આવો. તરત એક જણ મોટું ડીસમિસ લઈ આવ્યો. મનુએ પોતાના હાથે પકડેલો ભાગ જમીન મૂકી, એક ઝાટકે ડીસમિસ તેના શરીર સોંસરુ ઉતારી જમીનમાં રોપી દીધુ. મનુ ખસીને આઘો ઊભો રહી ગયો ને ડીસમિસ ઘોંચાતા સાપ અવળી ચાલે પાછો નિકળ્યો, નીકળતાંની સાથે જ ફૂંફાડા મારી ડિસમિસના દટ્ટા પર ડંખ દેવા લાગ્યો. મનુ કહે, “જોયા કરો …….. અને થાકવા દે ….. “ ને એમ પંદરેક મિનિટ પસાર થઈ ગઈ. નાગ થાકીને ઢીલો પડી ગયો. મનુએ લાકડીથી તેનુ મોં દબાવી, તેને પકડી લઈ, ડિસમિસ જમીનમાંથી કાઢી જાણે વિજય મેળવ્યો હોય તેમ ઉધોગ મેદાન તરફ ચાલવા માંડયું. હવે કેટલાકે દૂર બાંધાનો ને પ્રમાણમાં નીચો, પાકટ ઉમરનો વિધાર્થી, “એને મારશો નહીં….. એને મરાય નહીં….. છોડી મૂકોને, જતો રહૈશે” એવુ બોલતો બોલતો ને પથ્થરમારો કરનારને રોકતો છેક સાપની નજીક પહોંયી ગયો. તોય થોડા પથરા પડ્યા. સાપ અધમૂઓ હતો. થોડું તરફ્ડી શાંત, સદાને માટે શાંત થઈ ગયો. પેલો છોકરો ખૂબ દુઃખી થયો. જે થયું તે ખોટું છે એવું તેણે સોઈ ઝાટકીને પોતાના સહાધ્યાયીઓને કહ્યું. એણે તો કાંઈ કર્યું જ ન હતુ, કાંકરોય માર્યો ન હતો, ઊલટાનુ બધાને રોક્યા હતા, તોય કહ્યુ કે પ્રાયશ્ચિત માટે હું બે દિવસના ઉપવાસ કરીશ! કોઈને ગમ્યુ, કોઈને ન ગમ્યુ, કેટલાકે હસી કાઢ્યું, કેટલાકને દુઃખ થયુ. પણ રામજીભાઈએ પ્રાયશ્ચિત માટે ઉપવાસ જાહેર કરી શરૂ કરી દીધા. વર્ગો શરૂ થયા પણ હું તેમને ઉપવાસ ન કરવાનું સમજાવવા તેમની ઓરડીમાં તેમની સાથે વાતો કરતો રહ્યો . તેઓ ન માન્યા. પહેલે ઉપવાસે કાંઈ અસર ન વરતાઈ. બીજે દિવસે તબિયત થોડી ઢીલી થઈ. હું કશુંય બોલ્યા વગર તેમની ઓરડીમાં, તેમની રજાથી તેમની સાથે રહ્યો. એ દિવસે અમારી વસ્યે મૈત્રીની સ્નેહગાંઠ બંધાઈ. તેઓ છેલ્લા વરસમાં ભણતા હતા. ભણી રહી વતન મડાણા જઈ ગ્રામસેવાનુ કામ શરૂ કરવાની યોજનાની વાત થઈ. ત્યા ગામડાના કુરીવાજો, વહેમ, અંધશ્રધ્ધા, લૂંટફાટ, ત્રાસ ઈત્યાદિ કેવા હોય છે તેની વાતો તેમના નરમ અવાજે સાંભળી. આમ તો અમે બે વરસથી જુદા જુદા વર્ષમાં પણ સાથે ભણતા હતા. પણ ઉપવાસના બીજા દિવસે બેચાર કલાકમાં તેમની વાતો સાંભળી હું તેમનો નિકટનો મિત્ર બની ગયો. મને થયું આ માણસ સાચો છે, સાચા માટે લડનારો છે, નિર્ભય છે, સંઘર્ષ કરવાની તૈયારીવાળો છે, સરળ પણ છે, સાદોય છે અને ઈશ્વરમાં પૂર્ણ શ્રધ્ધાવાળો છે. આવો મિત્ર મળે એ સદ્ભાગય જ ગણાય ને!

રામજીભાઈ નાનપણથી જ પોતે મહાન થવું છે એવા સપના જોતા હતા. સપનુ સાકાર કેમ થશે ને તે માટે શું કરવું તે સૂઝતુ ન હતું. મહાન થવાના ગુણ ગળથૂથીમાં હતા ખરી. શાળામાં ભણતા ત્યારે વર્ગના મોનિટર તરીકે તોફાની વિધાર્થીઓને કાબૂમાં રાખતા. ભૂતભૂવામા જરાય માનતા નહીં. પાલનપુર – મડાણા રસ્તે રાત્રે ભૂત મળે તેવી વાત ખોટી પાડવા અંધારી રાતે એ વીસ પચીસ કિલોમીટરનો રસ્તો તેમણે પગે ચાલીને કાપી બતાવેલો. સ્મશાનમાં મધરાતે ગયેલા. ભૂત તો ન મળ્યું પણ હિંમત અને ઈશ્વરશ્રધ્ધા વધ્યાં. ગામમાં એક બાઈને ડાકણ કહેતા. એ તેમને કઠતુ. તે તમને ખાતાં જોઈ જાય તો તમારું ખાધેલુ પચે નહીં. એવીી વાયકા હતી. એટલે તેના દેખતાં ખોરાક લેવાથી કાંઈ થતુ નથી તે બતાવવા રામજીભાઈ એ તેની સામે બેસીને ભોજન કરેલુ. એક ત્રિકાળજ્ઞાનીનો દાવો કરનાર બાવાને ગામ વચ્ચે ખોટો પાડી ગામમાંથી ભગાડેલો. બીજી તરફ ગરીબને કોઈ રંજાડે તો વચ્ચે પડી ગરીબનો પક્ષ લેતા, વિધવા કે ત્યક્તાને કોઈ હેરાન કરે છે તેવુ જાણે તો ત્યાંય વચ્ચે પડી સામાને ઠપકો આપતા. બાપ ની મિલક્ત વહેંચાઈ ત્યારે જે ઘરમાં ભૂતના વાસની વાયકા હતી તે ઘર સામેથી માગીને લીધેલુ. ગામના આગેવાનોની દાદાગીરી ને દમનના કિસ્સામાં હૃદય પરિવર્તન માટે ઉપવાસનું શસ્ત્ર પણ તેમણે અજમાવેલુ. આવા આવા અનુભવો સાથે, સમાજ સેવાના થોડા અનુભવના ભાથા સાથે તેઓ વિધાપીઠમાં ભણવા આવેલા. વિધાપીઠ સંનિષ્ઠ, ચારિત્ર્યવાન, શક્તિસંપન્ન લોકસેવકો તૈયાર કરતી હતી. વિધાપીઠના શિક્ષણને સોળે કળાએ દીપાવે તેવુ કામ તેમણે પોતાના વતનમાં “નૂતન ભારતી” ની સ્થાપના કરી, તેને વિકસાવી, તે દ્વારા મડાણા અને આજુબાજુનાં ગામોના સમગ્ર વિકાસને કેન્દ્રમાં રીખી કર્યું.

“નૂતન ભારતી” નું કામ અને વિકાસ તો બેનમૂન થયાં છે. રામજીભાઈએ “નૂતન ભારતી” ની સ્થાપના સમયે મડાણામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓનો સામનો કરી, સામાજિક કુરિવાજોનો વિરોધ કરી, લોકોના પથ્થરદિલને હચમચાવી જોવા સત્યાગ્રહ તરીકે ઉપવાસ કરી પોતાની શુધ્ધતા, મક્કમતા ને નિર્ભયતાનો પરિચય કરાવી, એ પ્રદેશમાં શિક્ષણ, સહકાર અને સમન્વય દ્વારા લોકસેવાનાં અનન્ય કાર્યો કર્યા છે. એક સ્વસ્થ – શાંત સમાજ રચવા તેમણે તેમનાથી બનતું બધુ કર્યું છે. સર્વોદય યોજના દ્વારા ગાંધીજીના નશાબંધી, ખાદી ગ્રામોધોગ દ્વારા રોજગારી, અસ્પૃશ્યતાનિવારણ, મહિલા વિકાસ, ગ્રામ – આરોગ્ય તેમજ કોમી એકતા જેવા કઠીન રચનાત્મક કામો પણ તેમણે ઠીક ઠીક સફળતા પૂર્વક પાર પાડ્યાં છે. ઉપરાંત સહકારી પ્રવૃતિ, ઉર્જા બચાવ, ખેતી સુધારણા, ગૌસંવર્ધન અને સમગ્ર ગ્રામ સુધારણાને ધ્યેય બનાવી કરેલા કામોથી આજુબાજુના ગામોમાં પણ તેમના કામની સુવાસ ફેલાઈ છે.

ઘણા લોકો એ જાણતા હશે કે “નૂતન ભારતી” ની સ્થાપનાથી લઈ દેહ છોડ્યો ત્યાં સુધી રાતદિન સંસ્થાની જ ચિંતા કરનાર, સંસ્થાને વિકસાવનાર અને તેનું સમગ્ર સંચાલન કરનાર સંચાલકે “નૂતન ભારતી” માંથી સંચાલક તરીકે એક ફેદિયું કે રાતી પાઈ પણ સંચાલકના વેતન તરીકે લીધી નથી. સંસ્થાના સંચાલક – નિવાસનું ભાડું ગણીને સસ્થામાં જમા કરાવ્યું છે. પોતાના જીવન નિર્વાહ નો બોજ સંસ્થા પર ન નાખતાં ખેતી અને પશુપાલનને આજીવિકાનું સાધન બનાવી, સ્વેચ્છાએ સ્વીકારેલી ગરીબી અપનાવી, સાદુ, શ્રમજીવીનું જીવન તેઓ લગભગ છેલ્લા શ્વાસ સુધી જીવ્યા છે. ધાર્યું હોત તો પોતાના બાળકોને સારૂં શિક્ષણ આપતી શહેરની શાળામાં ભણવા મૂકી શકત. પણ પુત્ર કનુભાઈને અને પુત્રના પુત્ર નિકુંજભાઈ તથા પુત્રની પુત્રી સુચિતાનેય પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ “નૂતન ભારતી” માં આજુબાજુના ગામનાં બાળકોની સાથે જ આપ્યું છે અને તોય કનુભાઈ, નિકુંજભાઈ અને સુચિતાબહેન ડૉક્ટર થયાં છે ! કનુભાઈએ તો સંસ્થા પર દસ પથારીની હોસ્પિટલ સાથે પૂરું આરોગ્ય કેન્દ્ર ઊભું કર્યું છે ને આજુબાજુનાં ગામોનાં ગામોના લોકોને સારી આરોગ્યસેવા પૂરી પાડી છે. ડૉ.કનુભાઈ આરોગ્ય કેન્દ્ર ચલાવવા ઉપરાંત રામજીભાઈને સંસ્થા – સંચાલનમાં છેલ્લા દોઢ દાયકાથી પૂરી સક્રીય મદદ કરે છે. સંસ્થાનાં કામોમાં બંને એક જીવ છે એવુ તેમની સાથે કામ કરતાં લાગે. હવે સંસ્થા – સંચાલનની પૂરી જવાબદારી તેમને શિરે છે અને તે માટે તેઓ તૈયાર સક્ષમ અને સમર્પિત છે ! આ નાનાસૂના આશીર્વાદ નથી.

એકવડીયા બાંધાના ઠિંગુજી લાગે તેવા શરીરમાં આટલુ બધું બળ ક્યાંથી આવો પ્રશ્ન રામજીભાઈ સાથે કામકાજમાં નિકટ આવંતાં મેં કર્યો ત્યારે તેમનો જવાબ આમ હતો : મારા “નૂતન ભારતી” ના જાહેર જીવનની તમામ પ્રવૃતિ હું ઈશ્વરની ખોજ માટે કરું છું . “નૂતન ભારતી” એ મારા માટે સાધનાકેન્દ્ર છે.

મારું જીવન કઈંક આધ્યાત્મિક હોવાથી મેં જીવનમાં અંગત મિલકતને મહત્વ આપ્યું નથી. પરંતુ “નૂતન ભારતી” ને સાધનસંપન્ન જરૂરી કરી છે. હું “નૂતન ભારતી” સમર્પિત છું . “નૂતન ભારતી” એટલે હું અને હું એટલે “નૂતન ભારતી” એ રીતે મેં સંસ્થા દ્વારા સમાજની સેવાને મારી જીવનસાધના ગણી છે…… હું કર્મયોગ દ્વારા ઈશ્વરની ખોજ કરતો રહ્યો છું. ગીતાનો મારા જીવન પર ભારે પ્રભાવ રહ્યો છે. આ શરીર નાશવંત નથી એવી પ્રેરણા મેં ભગવદ્‌ ગીતામાંથી મેળવી છે. એટલે આંતકવાદી કે ત્રાસવાદી સાથે લડવામાં
અને જીવનમાં આવી પડતા પ્રશ્નો ને તેની ગૂંચ ઉકેલવામાં મેં નિર્ય રહી કામ કર્યું છે.

આવા નિર્ભીક, સમર્પિત, ગામ વચ્ચે રહીને, કર્મયોગ દ્વારા જીવનસાધના કરી, “નૂતન ભારતી” સંસ્થા જેવી મૂડી ગુજરાતની સરહદના એક ગામ અને આજુબાજુના પ્રદેશ માટે મૂકી જનાર સ્વ.રામજીભાઈ પસવાભાઈ વહોરા હવે આપણી વસ્ચે નથી.

ગ્રામસેવા દ્વારા જીવનસાધના કરી જનાર એ સાધકને આપણી હાર્દિક શ્રધ્ધાંજલિ.

જિતેન્દ્રભાઈ દેસાઈ
નવજીવન કાર્યાલય,
ગૂજરાત વિધાપીઠની બાજુમાં, અમદાવાદ

Shri Ramjibhai Vahora's Photo Gallery